20/07/2026
માતા સાથે મળી દીકરીએ પિતાને મોત આપ્યું...પાટીદાર યુવકની હત્યા, સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દેતો કિસ્સો
પત્નીએ બહેનના દીકરાને સોપારી આપી, પુત્રીએ પૈસા ટ્રાન્સફર કર્યા, વિજાપુરના પાટીદારની હત્યાનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
તારીખ: 8 જુલાઈ, 2026
સમય: રાતના 8.25 આસપાસ
લોકેશન: આનંદપુરા ચાર રસ્તા, વિજાપુર
મહેસાણાના વિજાપુરના રામ મંદિર પાસે મેડીકલ સ્ટોર ચલાવતા આનંદપુરા ગામના વિનોદકુમાર મણિલાલ પટેલ (ઉ.વ. 53) એક્ટિવા (GJ-02-BF-9727) લઈને વિજાપુરથી આનંદપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાગર બંગલોઝ નજીક પાછળથી પૂરઝડપે આવતી બ્રેઝાના કારચાલકે ટક્કર મારી. રોડ પર પટકાવાને કારણે વિનોદકુમાર પટેલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
જો કે આ કોઈ સામાન્ય અકસ્માત નહીં પણ ઘરમાં જ આકાર લઈ રહેલા એક ષડ્યંત્રનો ભાગ હતો. મહિના પહેલાં આ કાવતરું ઘડાઈ ચૂક્યું હતું અને તેને અંજામ સુધી પહોંચાડવાનું બાકી હતું. વિનોદભાઈના મોતને કારણે ઘરમાં માતમ છવાયું હતું. પત્ની અને દીકરી મોકાણે આવનારની વચ્ચે બેસીને રડી રહી હતી. હકીકતમાં તો અંદરથી ખુશ હતી કારણ કે પતિ અને પિતાને મોતને ઘાટ ઉતારવા માટે બન્નેએ સાથે મળીને એક ખૌફનાક ખેલ ખેલ્યો હતો. આ સમયે તો કોઈને પણ ખબર નહોતી કે વિનોદભાઈની હત્યા કરનારી તેના ઘરની બે મહિલા સૌની વચ્ચે મગરના આંસુઓ સારી રહી છે.
આ ઘટનાથી ભલભલાને પિતા-પુત્રીના લાગણી ભર્યા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે એ વાત ચોક્કસ છે. જો કે પતિ-પત્નીના સંબંધો પરથી તો સોનમ રઘુવંશી કેસ સામે આવ્યો ત્યારથી જ ઉઠી ગયો છે. આ મર્ડર પ્લાન કરવામાં પત્ની રીટા પટેલ, પુત્રી શ્રદ્ધા પટેલની સાથે રીટા પટેલની બહેનનો દીકરો વિમલ પટેલ પણ સામેલ હતો.
મૃતક વિનોદભાઈના પરિવારમાં પત્ની રીટા, પુત્ર દિવ્ય અને પુત્રી શ્રદ્ધા છે. પુત્ર દિવ્ય પરણિત છે અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. જ્યારે હત્યામાં સંડોવાયેલી દીકરી શ્રધ્ધાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ મહેશ્વરપુરામાં કરવામાં આવ્યા હતા. વિનોદભાઈનું ઘર સુખી સંપન્ન હતું. તેમની પાસે 6 વિઘા જેટલી જમીન અને પોતાનો મેડીકલ સ્ટોર હતો.
આ અંગે ફરિયાદી સ્નેહલ પટેલે દિવ્ય ભાસ્કરને રજેરજની વિગત આપતા જણાવ્યું કે, રીટા બહેન 8 માસથી વાડીલાલ કંપનીમાં જોબ કરતા હતા. આ વાત વિનોદ ભાઈને બિલકુલ પસંદ નહોતી. વિનોદ ભાઈએ પત્ની રીટાને જોબ કરવાની અવારનવાર ના પણ પાડી હતી. તેમ છતાં રીટા બહેન પતિ વિનોદભાઈનું માનતા નહોતા અને જોબ ચાલુ રાખી હતી.
પત્નીનું અફેર હોવાની શંકા અને ઝઘડાઓ મોત સુધી લઈ ગયા
રીટા બહેન બે દિવસ જોબ પર જાય બાકીના દિવસ ના જાય ગમે ત્યારે જોબ પર જતાં અને ગમે ત્યારે ઘરે આવતા હતા. વિનોદભાઈને શંકા હતી કે જ્યાં રીટા બહેન જોબ કરે છે ત્યાં તેનું કોઈ સાથે અફેર છે. આ અફેરની શંકાના બીજ રોપાતા જ બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થવા લાગ્યા. પરંતુ આ ઝઘડાઓ વિનોદભાઈને મોત સુધી લઈ જશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.
જ્યારથી રીટા બહેને નોકરી ચાલુ કરી ત્યારથી તેઓ ઘરને લોક મારી ને જતા રહેતા હતા. વિનોદભાઈ રાત્રે ઘરે આવે ત્યારે લોક જોઈ તેઓ ગામમાં આવેલા બીજા મકાને સુવા માટે જતા રહેતા હતા. ઘણીવાર તો વિનોદભાઈ રાત્રે પોતાના મેડિકલ સ્ટોરમાં જ સુઈ જતા હતા.
જ્યારે ગાંધીનગરમાં પતિ સાથે રહેતી વિનોદભાઈની દીકરી શ્રધ્ધા પટેલની ડિલિવરીનો સમય નજીક હતો ત્યારે માતા રીટા બહેન ગાંધીનગર ત્રણ મહિના માટે રહેવા ગયા હતા. એ દરમિયાન રીટા બહેન ઘરને લોક મારીને ગયા હતા. છેલ્લા ત્રણ મહિના વિનોદભાઈએ માંડ માંડ કાઢ્યા, કારણ કે ઘર લોક હતું અને જમવાના કે સુવાના કોઈ ઠેકાણા નહોતા.
વિનોદભાઈ મોતના આઠ દિવસ પહેલેથી ડરવા લાગ્યા હતા
આ પરિસ્થિતિ વચ્ચે વિનોદભાઈને 1 જુલાઈથી તો અચાનક જ ડર લાગવા લાગ્યો અને ડરી ડરીને રહેવા લાગ્યા. જો કે આ ડર અંગે તેમણે ઘરે તો કોઈને વાત કરી નહીં પણ ફ્રેન્ડ સર્કલમાં કહેતા કે મને બીક લાગી રહી છે. પરંતુ કોઈએ એમની વાતને ગંભીરતાથી લીધી નહીં. વિનોદભાઈનો સ્વભાવ એકદમ શાંત હતો અને પોલીસની ધમકીથી બહુ ડરતા પણ હતા. જ્યારે ઝઘડા થતા ત્યારે રીટા પટેલ વિનોદભાઈને પોલીસની ધમકી જ આપતા હતા એટલે વિનોદભાઈ પહેલાથી ડરી ડરી ને જ રહેતા હતા.
દીકરી સાથે ખૂબ સારું બોન્ડિગ, ઘરે વહેલા આવવા લાગ્યા
તો બીજી તરફ પુત્રી શ્રદ્ધા ડિલિવરી બાદ 15-20 દિવસ એની માસીના ઘરે રહી અને ત્યારબાદ આનંદપુરા માતાના ઘરે રહેવા આવી ગઈ. શ્રધ્ધા ઘટના બન્યાના 15 દિવસ પહેલા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. જ્યારથી ઘરમાં દીકરી શ્રધ્ધા રહેવા આવી એ દિવસોમાં વિનોદ ભાઈ રાત્રે ટાઈમે જમવા માટે ઘરે આવી જતા હતા. શ્રધ્ધા અને પિતા વિનોદભાઈ વચ્ચે ખૂબ સારું બોન્ડિગ હતું. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો ઝઘડો પણ નહોતો. જો કે આ સમયે માતા-પુત્રીના દિમાગમાં તેનો પ્લાન તો આગળ વધી જ રહ્યો હતો.
પત્નીએ બહેનના દીકરાને સોપારી આપી, પુત્રીએ પૈસા ટ્રાન્સફર કર્યા
હત્યાના એક અઠવાડિયા અગાઉ રીટા બહેન પતિ વિનોદભાઈને સારી રીતે રાખવા લાગ્યા હતા. રીટા બહેને પુત્રી સાથે મળીને પતિનો કાયમી કાંટો કાઢી નાંખવાના કામ માટે પૈસાની લાલચ આપી બહેનના દીકરા વિમલને તૈયાર કર્યો. આ હત્યા માટે રીટા અને શ્રદ્ધાએ વિમલને મે-જૂનમાં 50 હજાર રૂપિયા પણ આપી દીધા. આ રૂપિયા શ્રદ્ધાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ 50 હજારની રકમ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી રીટાના ભાઈની દીકરી દક્ષા એટલે કે ભત્રીજીના ખાતામાંથી શ્રદ્ધાના ખાતામાં આવ્યા હતા.
આરોપીઓએ 10 લાખનો વિમો પણ ઉતરાવ્યો
તેમજ તમામ જવાબદારી પોતાની માથે લેવાની ખાતરી આપી. વિનોદભાઈનું અકસ્માતમાં મોત થયું હોવાનું ખપાવીને તેમના મોત પાછળ અકસ્માત વીમાના રૂપિયા મળે તે માટે વિમલ પટેલ અને તેની માસી રીટા બહેને મૃતક વિનોદભાઈનો એક મહિના પૂર્વે 10 લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો. જોકે ઘટના બાદ પરિવારને આ વીમા અંગે જાણ થઈ હતી.
દીકરી પિતાને ફોન કરી હત્યારાને લોકેશન આપતી રહી
આ કામ માટે તૈયાર થયા બાદ વિમલે 23 જુલાઈ આસપાસ રાજસ્થાનથી પોતાના રૂપિયા ખર્ચી બ્રેઝા ગાડી ભાડા ઉપર લાવ્યો હતો અને પોતે પકડાઈ ન જાય તે માટે તેની નંબર પ્લેટ કાઢી નાંખી. ત્યાર બાદ વિનોદભાઈની એક એક પળની રેકી કરવાનો આરંભ થઈ ગયો. વિનોદભાઈ વિજાપુર રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા હોવાથી વિમલ ત્યાં રેકી કરતો હતો. જ્યારે પુત્રી શ્રદ્ધા પિતા વિનોદભાઈને ફોન કરીને તેનું લોકેશન જાણતી રહેતી હતી અને તે વિમલને સતત સ્થળ અંગેની આપતી હતી. હવે વિનોદભાઈની જિંદગીનો અંતિમ દિવસ નજીક આવી ગયો હતો.
મોત આપ્યા પહેલાં દીકરીએ કહ્યું ‘પપ્પા આજે વહેલા જમવા આવજો’
વિનોદભાઈના બહેન સૂર્યા બહેને ભાસ્કરને જણાવ્યું કે થોડા દિવસ અગાઉ પત્ની અને પુત્રીએ વિનોદભાઈ માટે મન્ચુરિયન અને પનીર પણ બનાવ્યું હતું. જે દિવસે અકસ્માત થયો એ દિવસે શ્રધ્ધા(પ્રિ-પ્લાન મુજબ)એ તેના પપ્પાને ફોન કરીને કહ્યું હતું કે પપ્પા આજે વહેલા જમવા આવજો.
‘આજે મને બહુ બીક લાગે છે, ગુંડા મારો પીછો કરી રહ્યા છે’
8 જુલાઈની સાંજે સાંજે વિનોદભાઈએ પોતાના મિત્ર રાજુભાઇને જાણ કરી હતી કે આજે મને બહુ બીક લાગે છે. કોઈ ગુંડા મારો પીછો કરી રહ્યા છે. આમ કહેતા રાજુભાઇ વિનોદભાઈને મેડીકલ સુધી મૂકી પણ ગયા હતા. ત્યાર બાદ વિનોદભાઈ પોતાના મેડીકલ સ્ટોરનું કામ પતાવી વિજાપુરથી પોતાના ગામ આનંદપુરા જવાની તૈયારી કરવા લાગ્યા હતા. આ સમયે ઘડિયાળ રાતના 8 વાગ્યાનો સમય બતાવી રહી હતી. વિનોદભાઈના મનમાં તો પુત્રીએ વહેલા જમવા આવવાની વાત જ ચાલતી હતી એટલે તેઓ ઘરે જવા નીકળી પડ્યા પણ તેમને ક્યાં ખબર હતી કે રસ્તામાં તેના સાઢુભાઈનો પુત્ર તેને મોત આપવાની તૈયારીઓ સાથે રાહ જોઈને ઉભો હતો.
વિનોદભાઈ એક્ટિવા લઈને નીકળ્યા સાથે જ અગાઉથી રાહ જોઈને ઉભેલા વિમલે નંબર પ્લેટ વિનાની બ્રેઝાથી પીછો શરૂ કર્યો. વિજાપુરથી 1 કિમી દૂર અને આનંદપુરા નજીક એટલે કે આનંદપુરા સર્કલથી થોડે આગળ જ વિનોદભાઈ નીકળ્યા ને 8.14 વાગ્યે વિમલે બ્રેઝાની ટક્કર મારી દીધી. આ સાથે જ વિનોદભાઈ નીચે પટકાયા અને કારનું ટાયર માથા પર ફરી વળતા ગંભીર ઈજા થઈ. ત્યાર બાદ વિમલ બ્રેઝા લાઈને સીધો ગાંધીનગર જવા નીકળી ગયો અને કારને ગેરેજમાં પાર્ક કરી દીધી.
ફરિયાદીએ જણાવ્યા મુજબ, અકસ્માત થયો એ દરમિયાન રીટા બહેન અને શ્રદ્ધા બંને ઘરે હાજર હતા. હું ઘરે બેઠા હતો એ દરમિયાન મને ફોન આવ્યો કે વિનોદ ભાઈનો અકસ્માત થયો છે. હું ઘટના સ્થળે ગયો અને તેની સાથે સાથે મેં મારી પત્નીને પણ આ અંગે જાણ કરી કે રીટા કાકીને કહેજે કે કાકાનો અકસ્માત થયો છે અને હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યારે બાદમાં ઘરે મોતના સમાચાર આવ્યા ત્યારે રીટા બહેન અને શ્રદ્ધાએ રડવાનું પણ નાટક કર્યું હતું.
CCTVમાં નંબર વિનાની બ્રેઝ દેખાઈ ને ખેલ ખૂલ્યો
ત્યાર બાદ વિજાપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે ગુનો નોંધાયો. આ તપાસ દરમિયાન વિજાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌહાણે તપાસનો દોર હાથમાં લીધો. તેમણે પોલીસની ટીમોને કામે લગાડી દીધી. આ ટીમોએ અલગ અલગ વિસ્તારના 15 થી 20 સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સેલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન સીસીટીવીમાં એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બ્રેઝા ગાડી વિશે માહિતી મળી, આ કારે જ અકસ્માત કર્યો હોવાની વાત કન્ફર્મ કરી લીધી.
આરોપી સાથે કારમાં ગયેલા મિત્રોએ ગેમ ઓવર કરી નાંખી
બીજી તરફ પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે એક સાક્ષી આવી ચઢ્યો. તેમણે PI આર.જે.ચૌહાણ સમક્ષ આખા કેસને પલટી નાંખે એવી વાત જણાવી. સાક્ષીએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે, ગત તારીખ 8 જુલાઈ 2026ના રોજ આરોપી વિમલ પટેલ તેને અને તેના મિત્રને સીસીટીવી કેમેરા ફિટિંગ કરવાના બહાને પોતાની બ્રેઝા ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. સાઇટ પર જવાને બદલે તે ગાડી આનંદપુરા તરફ દોડાવી ગયો હતો. ત્યાં આનંદપુરા ચોકડીથી આગળ જતાં વિમલ પટેલે એક એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી અને વિરોધ કરવા છતાં ગાડી ઊભી રાખ્યા વિના ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ હકીકત સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અસ્નાપુરા ગામના 24 વર્ષીય વિમલકુમાર રોહિતભાઈ પટેલને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી. વિમલે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ અકસ્માત નહોતો પરંતુ પૂર્વયોજિત હત્યાનું કાવતરું હતું. ત્યાર બાદ 17 જુલાઈના રોજ પોલીસે આખો કેસ ઉકેલી લીધો અને આરોપીઓની ધરપકડ કરી લીધી.
સમગ્ર ઘટનામાં પોલીસે હાલ તો રીટા પટેલ, શ્રધ્ધા પટેલ અને વિમલ પટેલને ઝડપી લઈને જેલ હવાલે કર્યા છે. આ કેસમાં મહત્વની બાબત એ પણ છે કે શ્રધ્ધા પોતાના 3 માસના બાળકને પણ જેલમાં સાથે લઈ ગઈ છે. આમ બાળક પણ હવે શ્રદ્ધા સાથે જેલમાં રહેશે. (સોર્સ- દિવ્ય ભાસ્કર)