22/01/2020
વલ્લભ વિદ્યાનગર... નામ સાંભળતા, અહીં ભણેલા કોઈ પણ ઉંમરના વ્યક્તિની આંખ સામે યુવાનોથી ઉભરાતાં એક સુંદર મઝાના શહેરી ગામડાનું દ્રશ્ય આંખો સમક્ષ ઉભરાય છે.
વલ્લભ વિદ્યાનગર એક એવું ગુજરાતનું ગામ છે કે સમગ્ર ગુજરાતના કોઈ પણ શહેરનો એક થી વધુ વ્યક્તિ અહીં ભૂતકાળમાં ભણવા આવ્યો હશે કે અત્યારે ભણતો હશે.
આ વલ્લભ વિદ્યાનગરના શિલ્પી ભાઈકાકાની પરિકલ્પના આ ગામને ગુજરાતની ઓક્સફર્ડ બનાવવાની હતી
2 કિમી x 2 કિમી કે 10 મિનિટ્સ x 10 મિનિટ્સનો એરિયા ધરાવતું આ વિદ્યાનગર શું છે તો તેનો જવાબ છે કે *30 થી વધુ કેજી થી 12 ધોરણ સુધીની સ્કૂલો, 75 થી વધુ હોસ્ટેલની સુવિધા ધરાવતી કોલેજો, 25 થી વધુ મંડળીઓની હોસ્ટેલોમાં 30,000 થી વધુ વિદ્યાર્થી અને વિધાર્થિનીઓથી સતત ધબકે છે. તેનાથી 70 વર્ષથી આ ગામની એવરેજ ઉમર 18 થી 20 અનુભવાય છે.
એક ચરોતર પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે કરમસદ, બાકરોલ અને આણંદને ત્રિભેટે આવેલી આ જગ્યા પૂજ્ય સરદાર સાહેબના કહેવાથી પૂ.ભાઇકાકા અને પૂ.ભીખાભાઇ સાહેબને અર્પણ થઇ આ વિદ્યાની નગરી બનાવવા અને આજે 76 વર્ષના આરંભે એક મેટ્રો વિલેજના આકારમાં આવી ગયું છે.
વિદ્યાનગરમાં ભણવા આવેલો કે નોકરી કરવા આવેલો કોઈ પણ વ્યક્તિ આ ગામની અગણિત યાદોથી વિદ્યાનગરને જીવનભર યાદ કરે છે કારણકે અહીં ફેલાયેલા વૃક્ષો સાથે સંકળાયેલી આધુનિકતા નવાઇસભર છે.
હોસ્ટેલમાં રહેવું, મેસમાં જમવું કે ચાની ચૂસકી લેવાની અસંખ્ય નાની નાની જગ્યાઓ, પફની અવનવી વેરાયટી, બટાકા પૌવાની જયાફત, અહીંના પ્રખ્યાત સમોસા અને સાંજ પડ્યે 50 હજારથી વધુ પોપટ અને સુડા થી છવાઈ જતું આકાશ. શેરિંગ રિક્ષાની સવારી, બસની ધક્કામુક્કી, પરીક્ષાની તૈયારીમાં થતા ઉજાગરા, ઝેરોક્સની દૂકાનોમાં થતી લાંબી લાઈનો, આવી તો અગણિત સામાન્ય યાદો વિવિનગરને છોડ્યા પછી અસામાન્ય રીતે યાદ આવતી રહે છે.
નગરની ઓળખસમા ઘટાદાર વૃક્ષો, રોડની એક અલગ જ ભાત પાડે છે, આ વૃક્ષો પૂ. ભાઈકાકાની દેન છે, 100 વધુ પ્રકારના વૃક્ષોની પ્રજાતિ તેઓએ ભારતભરમાંથી એકઠી કરી અને અહીં વાવી અને ઉછેરી છે, હાલમાં દરેક વૃક્ષની ઉંમર 65 થી 70ની હશે કે વૃક્ષોએ આ શહેરને ગામડામાથી મેટ્રો વિલેજ થતું નિહાળ્યું છે, સાથે સાથે ઘરેથી આવેલ લાખો કિશોર વિદ્યાર્થીઓના આંસુ અને થોડા જ સમયમાં અહીંના માહોલમાં ભળી જઈને ઉત્સાહથી મિત્રો સાથે થનગનતા પોપટની જેમ ચાની લારી પર મન ભરીને હસતાં પણ નિહાળ્યા છે આ વૃક્ષોએ.
chai , buddies and parrots એ visual photo documentary છે. ઈ.સ.1978માં હું (સુનિલ આડેસરા) બી.વી.એમ. માં ભણવા આવ્યો અને 1984થી શોખ ખાતર શરુ કરેલી ફોટોગ્રાફીને લીધે અલગ અલગ સમયે, વિવિધ જગ્યાની થયેલી klickને આ કોફી ટેબલ બુક સ્વરૂપે (350થી વધુ ફોટોઝ) પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ કે નશો જે કહો તે છે.
ઝાડ અંગે વિસ્તૃત સંશોધન અને માહિતી શ્રી ડૉ. મહેન્દ્ર ચોટલીયા તથા ડૉ. એ. એસ.રેડ્ડી એ ખુબ જ સરળ અને સંક્ષિપ્તમાં આપી છે, મારા આજીવન સમર્થક પ્રો. હરેન્દ્ર ભટ્ટ તથા મૌલિક ભટ્ટે વિદ્યાનગરી જીવનશૈલીને અક્ષરોમાં ઉતારી આપી છે, બુકની ડિઝાઇન વિધાનગરની હોસ્ટેલ લાઈફ જેને મન ભરીને માણી છે અને અન્ય આધુનિક શહેરમાંથી મળેલા કારકિર્દીના ઘણા પ્રલોભનો છોડીને સદાય માટે વિવિનગરીયન બનેલ મિતુલ ઠાકર દ્વારા થઇ છે.
જો આપ વલ્લભ વિદ્યાનગરમાં કોઈ પણ સમયે ભણ્યા હોય તો અમૂલ્ય યાદોને જીવંત કરશે અને જો આપ હજી અહીં ભણતા હો તો આ બુક આપને જીવનની મધુર યાદોને જીવનભર સંભારી રાખવાનું એક અનોખું માધ્યમ બની રહેશે.
અસ્તુ
- સુનિલ આડેસરા